પહેલી હોમ ફાઇનાન્સ કંપની HDFC નું અસ્તિત્વ આજથી સમાપ્ત થયુ: હવે HDFC બેંક સાથે મર્જર થઈ અને વિશ્વની ચોથી સૌથી મોટી બેંક બની..

પહેલી હોમ ફાઇનાન્સ કંપની HDFC નું અસ્તિત્વ આજથી સમાપ્ત થયુ: હવે HDFC બેંક સાથે મર્જર થઈ અને વિશ્વની ચોથી સૌથી મોટી બેંક બની..

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) અને HDFC બેંકનું 1 જુલાઈના રોજ મર્જર થયું. શુક્રવારે બજાર બંધ થયા બાદ મળેલી બેઠકમાં બંને કંપનીનાં બોર્ડે મર્જરને અંતિમ મંજૂરી આપી હતી. આ બેઠકની સાથે દેશની પહેલી હોમ ફાઇનાન્સ કંપની HDFC નો અંત આવી ગયો છે.

HDFC બેંકે ટ્વીટ કર્યું, કે ‘ભારતની નંબર વન ખાનગી ક્ષેત્રની બેંક અને ભારતની નંબર વન હોમ લોન કંપનીના વિલીનીકરણની સાથે અમે વિશ્વની અગ્રણી નાણાકીય સંસ્થામાં જોડાયા છીએ. આ અવસર પર અમે અમારી જાતને એવા લોકોની સેવા માટે સમર્પિત કરીએ છીએ, જેમણે આ માઇલસ્ટોનને શક્ય બનાવ્યું છે,

મર્જરની જાહેરાત 4 એપ્રિલ 2022ના રોજ કરવામાં આવી હતી

HDFC અને HDFC બેંકે 4 એપ્રિલ 2022ના રોજ મર્જરની જાહેરાત કરી હતી. મર્જરનો ઉદ્દેશ HDFC બેંકની વધુ ને વધુ શાખાઓમાં હાઉસિંગ લોન ઉપલબ્ધ કરાવવાનો છે. બીજી તરફ, મર્જર પહેલાં HDFCના વાઇસ-ચેરમેન અને CEO કેકી મિસ્ત્રીએ કહ્યું હતું કે HDFCના શેરનું ડિલિસ્ટિંગ 13 જુલાઈથી લાગુ થશે. એટલે કે આ તારીખથી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના શેર સ્ટોક એક્સચેન્જમાંથી દૂર કરવામાં આવશે. સંયુક્ત કંપનીના શેર 17 જુલાઈથી ટ્રેડ થશે.

ચાલો… હવે જાણીએ કે HDFCના ગ્રાહકો, શેરધારકો અને કર્મચારીઓ પર આ મર્જરની શી અસર થશે?

1. શેરધારકો પર શી અસર થશે ?
HDFC લિમિટેડ અને HDFC બેન્કના મર્જર હેઠળ રોકાણકારોને HDFCના 25 શેર માટે HDFC બેન્કના 42 શેર આપવામાં આવશે, એટલે કે જો તમારી પાસે HDFC લિમિટેડના 10 શેર છે, તો તમને મર્જર હેઠળ 17 શેર મળશે.

2. કર્મચારીઓ પર શી અસર થશે ?
મર્જરથી બંને કંપનીઓના કર્મચારીઓ પર કોઈ ખાસ અસર નહીં થાય. મર્જર પહેલાં ગ્રુપના ચેરમેને કહ્યું હતું કે કંપનીમાં કોઈ છટણી કરવામાં આવશે નહીં. HDFC બેંકને અમારા લોકોની જરૂર છે. આ સાથે કર્મચારીઓના પગારમાં કોઈ ઘટાડો કે કપાત કરવામાં આવશે નહીં.

3. HDFC સેવાઓ HDFC બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ રહેશે
હવે HDFCની તમામ સેવાઓ HDFC બેંકની શાખામાં ઉપલબ્ધ થશે. જો કોઈ ગ્રાહકે HDFC પાસેથી લોન લીધી હોય તો એ હવે HDFC બેંકનો ગ્રાહક બની ગયો છે. તમામ વર્તમાન લોન લેનારાઓ નિયમો અને શરતો અનુસાર તેમના EMI ચૂકવવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો :

4. બેંકિંગ ગ્રાહકોને પહેલાની જેમ સુવિધાઓ મળતી રહેશે
HDFC બેંકના ગ્રાહકોને પહેલાંની જેમ બેંકિંગ સુવિધાઓ મળતી રહેશે. બેંકિંગ સુવિધાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

5. HDFC અને HDFC બેંક વચ્ચે શું તફાવત છે ?
HDFC એ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, જે ઘર અને દુકાન અને અન્ય મિલકતોની ખરીદી માટે લોન આપે છે. એ જ સમયે બેંકિંગ સંબંધિત તમામ કામ HDFC બેંકમાં થાય છે, જેમ કે તમામ પ્રકારની લોન, ખાતું ખોલવું અથવા FD, પૈસાની લેવડદેવડ વગેરે.

આ વિલીનીકરણ શા માટે થયું?
કંપનીના જણાવ્યા અનુસાર, જાહેર ક્ષેત્રની બેંકો અને નવા યુગની ફિનટેક કંપનીઓની વધતી સ્પર્ધા વચ્ચે આ મર્જરની જરૂરિયાત પહેલાંથી જ અનુભવાઈ રહી હતી. મેનેજમેન્ટે એ હકીકત પર દાવ લગાવ્યો છે કે મર્જ થયેલી એન્ટિટીની બેલેન્સ શીટ ઘણી મોટી હશે, જે તેની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે,

આ મર્જર HDFC લિમિટેડ માટે વધુ નફાકારક બની શકે છે, કારણ કે તેનો વ્યવસાય ઓછો નફાકારક છે. HDFC બેંકના દૃષ્ટિકોણથી આ મર્જરથી તે તેના લોન પોર્ટફોલિયોને મજબૂત બનાવવામાં સક્ષમ બનશે. તે તેનાં ઉત્પાદનો વધુ લોકોને ઓફર કરી શકશે.

બરાબરીનું વિલીનીકરણ છે
HDFC લિમિટેડના ચેરમેન દીપક પારેખે કહ્યું હતું કે આ બરાબરીનું મર્જર છે. અમારું માનવું છે કે રેરાના અમલીકરણ, હાઉસિંગ સેક્ટરને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ, એફોર્ડેબલ હાઉસિંગ પર સરકારની પહેલ અને અન્ય ઘણી બાબતોને કારણે હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસમાં મોટી તેજી જોવા મળશે.

દીપક પારેખે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેંકો અને NBFCના ઘણા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે વિલીનીકરણની શક્યતા ઊભી થઈ હતી. આનાથી મોટી બેલેન્સ શીટને મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોનની વ્યવસ્થા કરવાની તક મળી. ઉપરાંત અર્થતંત્રની ધિરાણ વૃદ્ધિમાં વધારો થયો. એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન મળ્યું અને કૃષિ સહિતના તમામ પ્રાથમિકતા ક્ષેત્રોને પહેલાં કરતાં વધુ લોન આપવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top